જમ્મુ-કાશ્મીર વિધાનસભાની તમામ 90 બેઠકોના પરિણામો આવી ગયા છે. ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનને બહુમતી મળી છે. જ્યારે ભાજપનું કમળ જમ્મુ-કાશ્મીરમાં મુરજાઈ ગયું છે. ભાજપને કલમ ૩૭૦ મુદ્દાનો જોઈએ તેવો ફાયદો થયો નથી.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના અંતિમ પરિણામો આવી ગયા છે. નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધને 10 વર્ષના લાંબા ગાળા બાદ યોજાયેલી ચૂંટણીમાં 49 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. એનસીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી બનશે.
નેશનલ કોન્ફરન્સની ચૂંટણીમાં જીત બાદ પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં નવા પક્ષો અને જૂથો બનાવીને તેમની પાર્ટીને નબળી પાડવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે તમામનો આ ચૂંટણીમાં પરાજય થયો હતો. પૂર્વ મુખ્યમંત્રી ઓમરે ગાંદરબલ અને બડગામ બેઠકો જીતી હતી. તેમણે તેમના નજીકના હરીફ પીડીપીના ઉમેદવારોને અનુક્રમે 10,000 અને 18,000 મતોથી હરાવ્યા હતા.
ચૂંટણી પંચ અનુસાર પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના નેતૃત્વમાં નેશનલ કોન્ફરન્સ (NC) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. એનસીને 42 બેઠકો મળી છે. ભાજપ 29 બેઠકો મેળવીને બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.
નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનાર કોંગ્રેસને 6 બેઠકો મળી છે. આ ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને તે માત્ર ૩ સીટો જીતી શકી હતી. જમ્મુ અને કાશ્મીર પીપલ કોન્ફરન્સ, સીપીઆઈએમ અને આપને એક-એક સીટ મળી છે. જ્યારે 7 બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.
Read Also Jammu Kashmir Election Results 2024: BJP and NC Win Two Seats Each in First Four Results