હરિયાણા વિધાનસભા ચૂંટણી જીતવા માટે દરેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ માટે આ ચૂંટણી જીતવી પ્રતિષ્ઠાનો સવાલ છે. ભાજપ આ ચૂંટણી પ્રચારમાં કંઈ કસર રાખવા માંગતી નથી. તેથી ભાજપે પોતાના ૪૦ સ્ટાર કેમ્પેનરની યાદી જાહેર કરી છે.
ભાજપે હરિયાણા ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પીએમ મોદી સહિત 40 નામોની આ યાદીમાં રાજસ્થાની નેતાઓ પણ સામેલ છે. આ યાદીમાં સીએમ ભજનલાલ, પૂર્વ સીએમ વસુંધરા રાજે, ડેપ્યુટી સીએમ દિયા કુમારી સહિત અડધો ડઝન નેતાઓ રાજસ્થાનના છે.
ભાજપ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ સહિત 40 નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતારશે. આ અગ્રણી નેતાઓ ઉપરાંત રાજસ્થાન ભાજપના અગ્રણીઓ પણ સામેલ છે.
રાજસ્થાનના ડો. સતીશ પુનિયા, જેઓ હરિયાણા પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, નાયબ દિયા કુમારી, આ સિવાય રવનીત સિંહ, કુલદીપ બિશ્નોઈને પણ મહત્વની પ્રચાર જવાબદારી સોંપાઈ છે.
રાજકીય નિષ્ણાંતો અનુસાર હરિયાણા અને રાજસ્થાન બંને પડોશી રાજ્યો છે. હરિયાણાના લોકોના રાજસ્થાનના ઘણા જિલ્લાઓ સાથે ગાઢ સંબંધો છે અને બંને રાજ્યોની સામાજિક સંસ્કૃતિ પણ સમાન છે. આવી સ્થિતિમાં ભાજપ રાજસ્થાનનો રાજકીય ઉપરાંત સામાજિક લાભ લેવા માંગે છે.