અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ ૧૬’માં ખુલાસો કર્યો હતો કે તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની પહેલી પત્ની શ્યામા બચ્ચન હતી. શ્યામા બચ્ચનના નિધન બાદ તેમના પિતાજીએ તેજી બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. સૌ પ્રથમવાર જાહેર મંચ પરથી પોતાના પિતાજીની પ્રથમ પત્ની વિશે નિવેદન આપ્યું છે.
મીલેનિયમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જાણીતા કવિ હરિવંશરાય બચ્ચનના પુત્ર છે. જેમણે સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે પણ બિગ બી વિવિધ જગ્યાએ પિતાની કવિતાઓ સંભળાવતા રહે છે. તેમણે જીવનનો મોટાભાગનો સમય તેના માતાપિતા સાથે વિતાવ્યો છે. અમિતાભે ‘કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૬‘માં સૌ પ્રથમવાર જાહેર મંચ પરથી પિતા હરિવંશરાય બચ્ચનની પ્રથમ પત્ની શ્યામા બચ્ચન વિશે જણાવ્યું છે.
અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેમના પિતા હરિવંશ રાય બચ્ચને તેમની માતા તેજી બચ્ચન પહેલા એક લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્નીનું નામ શ્યામા બચ્ચન હતું. પરંતુ લગ્નના થોડા મહિનાઓ પછી શ્યામા બચ્ચનનું મૃત્યુ થયું હતું. શ્યામાનું અવસાન ટીબીને લીધે થયું હતું. તેણીનું અવસાન થયું, ત્યારે હરિવંશરાય બચ્ચનને ઊંડો આઘાત લાગ્યો હતો.
અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ ૧૬‘માં કહ્યું, ‘મારા પિતાની પહેલી પત્નીનું ધન થયું ત્યાર બાદ તેઓ ખૂબ જ હતાશ સ્થિતિમાં આવી ગયા હતા. તેમણે તે સમયે લખેલી બધી કવિતાઓ ડાર્ક અને ખૂબ જ ઉદાસીથી ભરેલી હતી.
ઉલ્લેખનીય છે કે હરિવંશરાયે ૧૯૨૬માં શ્યામા સાથે લગ્ન કર્યા હતા. ટીબીની માંદગી બાદ ૧૯૩૬માં તેમનું અવસાન થયું. આ પછી હરિવંશરાયે ૧૯૪૧માં તેજી સૂરી સાથે લગ્ન કર્યા હતા.