જાપાનમાં ભૂકંપ બાદ હવે સુનામીનો ખતરો, ઓગાસાવારા દ્વીપ પર એલર્ટ જાહેર કરાયું
જાપાનને તાજેતરમાં ૭.૧ની તીવ્રતાવાળા ભૂકંપે ઘમરોળી નાખ્યું હતું. હવે આ દેશના કેટલાક દ્વિપો પર સુનામીનો ખતરો તોળાઈ રહ્યો છે. ઓગાસાવારા દ્વીપ અને તેની આસપાસના વિસ્તારોમાં સુનામી એલર્ટ જાહેર કરી દેવાતા નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જાપાનની હવામાન એજન્સીએ મંગળવારે શક્તિશાળી ભૂકંપ બાદ દક્ષિણમાં દૂરના ટાપુઓના સમૂહ માટે સુનામીની ચેતવણી જારી કરી છે. અત્યાર સુધી સુદૂર કિનારે આવેલા ભૂકંપના કારણે કોઈ નુકસાન કે ઈજાના સમાચાર નથી પરંતુ આ ટાપુઓ પર સુનામી આવી શકે તેમ હોવાથી એલર્ટ જાહેર કરાયું છે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર ઇજુ આઇલેન્ડ પર સવારે 5 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પછી, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ઓગાસાવારા દ્વીપ પર 3.3 ઇંચની સુનામી આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, જાપાનમાં દર વર્ષે 1 હજારથી વધુ ભૂકંપ આવે છે. ગયા મહિને પણ ભૂકંપ આવ્યા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ક્યુશુના મિયાઝાકીમાં સમુદ્રમાં 20 સેમી ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.
હાચિજો ટાપુના યેને જિલ્લામાં લગભગ 50 સેન્ટિમીટરની સુનામી પણ જોવા મળી હતી. જાપાન પેસિફિક રીંગ ઓફ ફાયર પર આવેલું છે, જે પ્રશાંત મહાસાગરને ઘેરી લેતી ધરતીકંપની રેખા છે.