Justnownews

નાઈજીરિયાના પેટ્રોલ ટેન્કરમાં થયેલા ભયંકર વિસ્ફોટમાં ૧૦૦ના મૃત્યુ, મૃતકોનો કરાયો સામુહિક અંતિમ સંસ્કાર

નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં થયેલા ભયંકર વિસ્ફોટમાં ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓઈલ ટેન્કર પલટી ગયા બાદ તેમાંથી ઓઈલ કાઢવા લોકો એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન તેમાં આગ લાગી હતી. આ અકસ્માત જીગાવા રાજ્યમાં યુનિવર્સિટી નજીક હાઈવે પર થયો હતો.

ઉત્તર-પશ્ચિમ નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કર પલટી ગયા બાદ થયેલા ભયંકર વિસ્ફોટમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ૫૦થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ટેન્કર પલટી ગયા બાદ અનેક લોકો બળતણ મેળવવા દોડ્યા હતા. અનેક લોકો ટેન્કરની આસપાસ હતા ત્યારે ભયંકર વિસ્ફોટ થતા મૃતાંક ૧૦૦ સુધી પહોંચી ગયો.

સ્થાનિક પોલીસ પ્રવક્તા લવાન આદમે જણાવ્યું હતું કે, જિગાવા રાજ્યના મજિયા ટાઉનશીપમાં પેટ્રોલ ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. ટેન્કર ડ્રાઇવરે હાઇવે પર વાહન પરથી નિયંત્રણ ગુમાવી દેતા તે પલટી ગયું હતું. જીગાવા સ્ટેટ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના વડા ડો. હરુણા મારીગાએ જણાવ્યું કે,  ઘટનાસ્થળે ૯૭ લોકો બળીને રાખ થઈ ગયા હતા, જ્યારે અન્ય ૮ લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.

આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ નાઇજીરિયામાં જીવલેણ ટેન્કર અકસ્માતો સામાન્ય છે, જ્યાં ઘણા સ્થળોએ ટ્રાફિક નિયમોનો કડકપણે અમલ થતો નથી અને માલના પરિવહન માટે કાર્યક્ષમ રેલવે પ્રણાલી જેવા વિકલ્પોનો અભાવ છે. ખાસ કરીને નાઈજીરિયામાં ઈંધણની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને આવા અકસ્માતો પછી લોકો ઈંધણનો સંગ્રહ કરવો પણ સામાન્ય છે.

પોલીસે જણાવ્યું કે, જ્યારે રહેવાસીઓને મઝિયા નગરમાં દુર્ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા અને ઈંધણ ભરવાનું શરૂ કર્યું. આ સમયે ભયંકર આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળેથી મળેલા વિડિયોમાં સમગ્ર વિસ્તારમાં ભારે આગ દેખાઈ રહી હતી અને સ્થળ પર મૃતદેહો વિખરાયેલા જોવા મળ્યા હતા.

સ્થાનિક લોકોએ પીડિતોના સામૂહિક અંતિમ સંસ્કાર કર્યા હતા. મોટાભાગના મૃતદેહોની ઓળખ કરવી શક્ય નહોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અકસ્માતમાં લોકો બળીને રાખ થઈ ગયા હતા.

Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him

Exit mobile version