શિયાળના ઘરમાં ઊંટ પેઠું, પાકિસ્તાનની ૧૦ હજાર એકર જમીન પર સાઉદી અરેબિયાનો કબ્જો
સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનમાં ૨ અબજ ડોલરથી વધુનું રોકાણ કરવા જઈ રહ્યું છે. આ અંગે પાકિસ્તાન અને સાઉદી વચ્ચે ડીલ થઈ છે. આ ડીલ અનુસાર પાકિસ્તાનની ૧૦ હજાર એકર જમીન પર સાઉદી અરેબિયાનો કબ્જો કરશે અને ખેતીના વિવિધ પાકો ઉગાડશે.
છેલ્લા કેટલાક વર્ષોથી સાઉદી અરેબિયા પાસેથી રોકાણ ઈચ્છતા પાકિસ્તાનની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનમાં ૨ અબજ ડોલરથી વધુનું રોકાણ કરશે, જેની પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે પ્રશંસા કરી છે. બંને દેશોએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવા માટે અનેક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા. એમઓયુ પર હસ્તાક્ષર વખતે સાઉદી અરેબિયાના રોકાણ મંત્રી ખાલિદ બિન અબ્દુલ અઝીઝ અલ ફલીહ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પણ હાજર હતા.
સાઉદી અરેબિયા માટે પાકિસ્તાનની જમીન પર ખેતી માટે પણ સોદો કરવામાં આવ્યો છે. સાઉદીના રોકાણ મંત્રીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ૩ દિવસની મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યું હતું. એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન, પાકિસ્તાની પીએમે કહ્યું, ‘રોકાણ મંત્રીના નેતૃત્વમાં સાઉદી પ્રતિનિધિમંડળની મુલાકાત મહત્વપૂર્ણ છે.
ક્રાઉન પ્રિન્સ સલમાનને પાકિસ્તાનના વિકાસમાં વિશેષ રસ છે. રોકાણની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે સમયની સાથે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત બનશે. શાહબાઝે કહ્યું કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટી કાઉન્સિલ (SIFC)ની ભૂમિકા વિદેશી રોકાણ લાવવાની છે.
કરારોમાં કૃષિ ક્ષેત્રમાં $૭૦ મિલિયનનું રોકાણ, સાઉદી અરેબિયામાં સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગની સ્થાપના, ટેક્સટાઇલ ઉદ્યોગની સ્થાપના, ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટ, રોકાણની તકો શોધવા માટે એક એમઓયુ, હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ, ટ્રાન્સફોર્મર ઉત્પાદન સુવિધાનું નિર્માણ સામેલ છે.
આ સમયગાળા દરમિયાન સાઉદી અરેબિયાએ પાકિસ્તાન પાસેથી ખેતી માટે ૧૦ હજાર એકર જમીન લીધી છે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાને કોર્પોરેટ ફાર્મિંગ માટે હસ્તાક્ષર કર્યા. સાઉદી અરેબિયાની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાનવાલમાં ૧૦ હજાર એકર જમીન ફાળવવામાં આવશે. આમાં પાક, ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરીને સાઉદીમાં નિકાસ કરવામાં આવશે.
Read Also Pakistani Defense Minister’s Provocative Statement Amid Kashmir Elections