ભારતીય યુવાનોમાં ઓસ્ટ્રેલિયાના વર્કિંગ હોલિડે મેકર વિઝાનો ક્રેઝ, ૪૦૦૦૦ અરજી કરાઈ
ઓસ્ટ્રેલિયન વર્કિંગ હોલીડે મેકર વિઝા પ્રોગ્રામ ૧૮ થી ૩૦ વર્ષની વયના ભારતીયોને ૧૨ મહિના સુધી ઓસ્ટ્રેલિયામાં રહેવા, કામ કરવા અને અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. ભારતીય યુવાનોમાં ઓસ્ટ્રેલિયાના વર્કિંગ હોલિડે મેકર વિઝાનો ક્રેઝ ખૂબજ જોવા મળી રહ્યો છે. માત્ર ૧૦૦૦ વિઝા માટે ૪૦૦૦૦ ભારતીય યુવાનોએ અરજી કરી છે.
ઓસ્ટ્રેલિયાના આસિસ્ટન્ટ ઈમિગ્રેશન મિનિસ્ટર મેટ થિસલથવેટે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના નવા વર્કિંગ હોલિડે મેકર વિઝા પ્રોગ્રામમાં ૧૦૦૦ની જરૂરિયાત સામે ૨ અઠવાડિયામાં લગભગ ૪૦૦૦૦ અરજીઓ આવી છે. થિસલથવેટે વધુમાં જણાવ્યું હતું કે આ વિઝા ૧૮ થી ૩૦ વર્ષની વયના ભારતીયોને ૧૨ મહિના સુધી ઓસ્ટ્રેલિયામાં રહેવા, કામ કરવા અને અભ્યાસ કરવાની મંજૂરી આપે છે.
આસિસ્ટન્ટ ઈમિગ્રેશન મિનિસ્ટર મેટ થિસલથવેટે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે વિઝા પ્રક્રિયા ૧ ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને મહિનાના અંતમાં સમાપ્ત થશે. ત્યારબાદ અરજદારોમાંથી સફળ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, અને પસંદ કરાયેલા ઉમેદવારો આવતા વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં તેમનું રોકાણ શરૂ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાના મંત્રી થિસલથવેટે જણાવ્યું હતું કે, આ વિઝા ભારતીય યુવાનોને ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિના પરિચયનો અને વિવિધ ક્ષેત્રોમાં કામનો અનુભવ મેળવવાની તક આપે છે. થિસલથવેટે કહ્યું કે વર્કિંગ હોલિડે મેકર વિઝાની સૌથી સારી વાત એ છે કે તમે જે કામ કરી શકો છો તેના પર કોઈ ખોટાં નિયંત્રણો નથી. અત્યાર સુધીમાં ૧૦૦૦ વિઝા માટે ૪૦૦૦૦ અરજીઓ આવી છે.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine