યુક્રેન યુદ્ધ પછી વિશ્વમાં બે ફાટા પડી ગયા છે. એક તરફ નાટો દેશો છે અને બીજી બાજુ રશિયા અને ચીન છે. રશિયા યુક્રેન પ્રત્યે આક્રમક છે તો ચીનની નજર તાઈવાન પર છે. રશિયામાં બ્રિક્સ સંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં સભ્યપદ માટે ૩૪ દેશોએ અરજી કરી છે.
બ્રિક્સના સભ્યપદ માટે દુનિયાભરના દેશોમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. રશિયાના કઝાનમાં યોજાનારી BRICS સમિટ પહેલા 34 દેશોએ આ સંગઠનના સભ્યપદ માટે અરજી કરી છે. આ દેશોમાં પાકિસ્તાન, તુર્કી, સીરિયા, પેલેસ્ટાઈન અને મ્યાનમાર જેવા દેશોનો સમાવેશ થાય છે.
કઝાનમાં 22 થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાનારી બેઠકમાં 10 નવા સભ્યો અને 10 ભાગીદારોને સામેલ કરવામાં આવી શકે છે. આ સમગ્ર મામલે મહત્વની વાત એ છે કે હિંસા પ્રભાવિત સીરિયા, મ્યાનમાર અને પેલેસ્ટાઈન પણ તેના સભ્ય બનવા માંગે છે.
બ્રિક્સના સ્થાપક સભ્યો ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા છે, પરંતુ તેમાં ઘણા નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભારત આ સંગઠનના વધુ વિસ્તરણના પક્ષમાં નથી, ત્યારે ચીન તેના એજન્ડાને આગળ વધારવા માટે રશિયાનો ઉપયોગ કરીને તેની સભ્ય સંખ્યા વધારવા માંગે છે.
ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કઝાનમાં યોજાનારી બેઠકમાં સર્વસંમતિ સધાય પછી જ નવા સભ્યોની જાહેરાત કરવામાં આવશે. પીએમ મોદી પણ આ બ્રિક્સ સમિટમાં ભાગ લેવાના છે. છેલ્લા 3 મહિનામાં પીએમ મોદીની રશિયાની આ બીજી મુલાકાત હશે.
આ બેઠકમાં પીએમ મોદી અને બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઘણા વર્ષો પછી મુલાકાત થઈ શકે છે.