Justnownews

શીખ સંપ્રદાય પર નિવેદન મુદ્દે રાહુલ ગાંધી વિરૂદ્ધ દિલ્હીમાં ૩ એફઆઈઆર નોંધાઈ

દિલ્હી પ્રદેશ ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ પંજાબી બાગ, તિલક નગર અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં કુલ ૩ ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી પર શીખ સમુદાય વિશે અપમાનજનક ટિપ્પણી કરીને દેશની સામાજિક એકતાને જોખમમાં મૂકવાનો આરોપ લગાડાયો છે.

અમેરિકામાં રાહુલ ગાંધીએ ભારતમાં રહેતા શીખો અંગે નિવેદન આપ્યું હતું. આ વિવાદિત નિવેદન હવે રાહુલ ગાંધીને ભારે પડી રહ્યું છે.  દિલ્હી પ્રદેશ ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હીના ૩ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાહુલ ગાંધી વિરૂદ્ધ પશ્ચિમ દિલ્હીના પંજાબી બાગ અને તિલક નગર પોલીસ સ્ટેશન તેમજ સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બીજેપી અનુસૂચિત જાતિ એકમના પ્રમુખ મોહન લાલ ગિહરા, બીજેપી શીખ સેલના સભ્ય ચરણજીત સિંહ લવલી અને પાર્ટી એસટી વિંગના સભ્ય સીએલ મીનાએ આ ફરિયાદ નોંધાવી છે.

બીજેપીના શીખ સેલના નેતા ચરણજીત સિંહ લવલીની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ શીખોને લઈને વિદેશોમાં ખોટી છાપ રજૂ કરી છે. જેનો ભાજપ વિરોધ કરે છે. જેનાથી પરસ્પર સંવાદિતા પણ ડહોળાઈ શકે છે, તેથી રાહુલ ગાંધી સામે કાર્યવાહી થવી જોઈએ.

અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સીએલ મીણાએ તેમની ફરિયાદમાં કહ્યું છે કે રાહુલ ગાંધીએ તેમની ટિપ્પણીઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિને ઉશ્કેરતી વાતો કહી છે. જે દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે.

Exit mobile version