ઉત્તર કોરિયામાં યુવાનો સેનામાં જોડાવા માટે ઉત્સાહી છે. એક સપ્તાહની અંદર વિદ્યાર્થીઓ અને યુવા લીગ તરફથી સેનામાં જોડાવા માટે ૧૪ લાખ અરજીઓ આવી છે. દક્ષિણ કોરિયા સાથે ઉત્તર કોરિયાના સંઘર્ષમાં પોતાના દેશને મજબૂત સ્થિતિમાં લાવવા નવલોહિયા યુવાનો મેદાને પડ્યા છે.
ઉત્તર કોરિયામાં માત્ર એક અઠવાડિયામાં ૧૪ લાખ યુવાનોએ સેનામાં જોડાવા અથવા સેનામાં પરત ફરવા માટે અરજી કરી છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર ડ્રોન ઘૂસણખોરીનો આરોપ લગાવ્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો અને સ્થિતિ યુદ્ધના આરે આવી ગઈ. ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા KCNA એ અહેવાલ આપ્યો હતો કે, લાખો વિદ્યાર્થીઓ, યુવા લીગના કાર્યકરો અને યુવાનોએ સૈન્યમાં જોડાવાની અરજી પર હસ્તાક્ષર કર્યા છે. આ લોકોએ દુશ્મનને ખતમ કરવા માટે લડવાના શપથ લીધા છે. KCNAએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં યુવાનોની ભીડ અજ્ઞાત સ્થળે પિટિશન પર હસ્તાક્ષર કરી રહી છે.
ઉત્તર કોરિયાની કિમ જોંગ ઉન સરકારનો દાવો છે કે લાખો યુવાનો સ્વૈચ્છિક રીતે આગળ આવી રહ્યા છે અને કોરિયન પીપલ્સ આર્મીમાં જોડાવા માટે અરજી કરી રહ્યા છે. ઉત્તર કોરિયા ભૂતકાળમાં પણ પોતાની સેના વિશે આવા દાવા કરતું રહ્યું છે.
ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ પણ ગયા વર્ષે દાવો કર્યો હતો કે તેના ૮ લાખ યુવાનો અમેરિકા સામે લડવા માટે સ્વૈચ્છિક સેનામાં જોડાયા છે. ૨૦૧૭માં પણ ૩૫ લાખ યુવાનો સેનામાં જોડાયા હોવાનું કહેવાય છે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him