હોકી ઈન્ડિયાએ શ્રીજેશની 16 નંબરની જર્સી નિવૃત્તીનો કર્યો નિર્ણય, ધોની અને સચિન જેવું આપ્યું સન્માન
સમરીઃ
હોકી ઈન્ડિયાએ શ્રીજેશની 16 નંબરની જર્સી નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. શ્રીજેશની આઇકોનિક નંબર 16 જર્સી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય કોઇ ભારતીય હોકી ખેલાડી માટે ઉપલબ્ધ રહેશે નહીં. હોકી ઈન્ડિયાએ પીઆર શ્રીજેશને 25 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.
સ્ટોરીઃ
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યુ હતું અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમે સતત બીજી ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા ટોક્યો ઓલિમ્પિક (2020)માં પણ આ સિદ્ધિ મેળવી હતી.
ભારતીય ટીમના ઐતિહાસિક પ્રદર્શનમાં ગોલકીપર પીઆર શ્રીજેશે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગોલકીપર તરીકે પીઆર શ્રીજેશ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ગોલને બચાવતો રહ્યો. પેરિસ ઓલિમ્પિક સાથે જ શ્રીજેશે આંતરરાષ્ટ્રીય હોકીને અલવિદા કહી દીધું. શ્રીજેશે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે પેરિસ ઓલિમ્પિક તેની છેલ્લી ટૂર્નામેન્ટ બનવા જઈ રહી છે.
હવે હોકી ઈન્ડિયાએ પીઆર શ્રીજેશનું સન્માન કર્યું છે. હોકી ઈન્ડિયાએ શ્રીજેશને 25 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. એટલું જ નહીં શ્રીજેશની 16 નંબરની જર્સી પણ રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીજેશની આઇકોનિક નંબર 16 જર્સી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય કોઇ ભારતીય હોકી ખેલાડી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આનો મતલબ એ છે કે કોઈપણ ભારતીય ખેલાડી આંતરરાષ્ટ્રીય હોકીમાં 16 નંબરની જર્સી પહેરી શકશે નહીં. જો કે, જર્સી નંબર 16 જુનિયર સ્તરે ઉપલબ્ધ રહેશે, જેથી શ્રીજેશ જેવા નવા સ્ટારની શોધ થઈ શકે.