ગોંડલના બે નવા ફોરલેન બ્રિજ માટે સરકારે અંદાજિત ૫૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા
સમરીઃ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલ શહેરમાં ૨ નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. ગોંડલ તથા આસપાસના ગામો-જિલ્લા-તાલુકાના બાયપાસ અને શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને આ મંજૂરી અપાઈ છે.
સ્ટોરીઃ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઓવર બ્રિજ અંતર્ગત ગોંડલ શહેરમાં પાંજરાપોળ પાસે રૂ. ૨૮.૦૨ કરોડના ખર્ચે તથા ગવર્નમેન્ટ હોસ્પિટલ ચોક પાસે રૂ. ૨૮.૮૨ કરોડના ખર્ચે આ ફોરલેન બ્રિજ નિર્માણ પામશે.
ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના બે બ્રિજ ઉપર ગોંડલ આસપાસના ગામો અને તાલુકાના વાહનોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હતો. એટલું જ નહિ,ભારે વરસાદના સમયમાં વિયર કમ કોઝવે પરથી પાણી પસાર થતું હોવાથી આ રસ્તો પણ બંધ થઈ જાય છે અને તમામ વાહનોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં આવેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ગોંડલ નગરમાં બે નવા બ્રિજ બનાવવા માટે રૂ. ૫૬.૮૪ કરોડની રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. આ નવા બ્રિજ નિર્માણ થવાથી ભાવનગર-આટકોટથી જૂનાગઢ જતા વાહનોને તેમજ ઘોઘાવદર મોવીયાથી જૂનાગઢ અને કોટડાથી જેતપુર-જૂનાગઢ જતા વાહનોને ફોરલેન બ્રિજની સુવિધા મળતી થશે.
મુખ્યમંત્રીએ આ બે નવા બ્રિજ ઉપરાંત ગોંડલી નદી પરના રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના ૨ હયાત બ્રિજના રિસ્ટોરેશન માટે પણ ૨૨.૩૮ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે.